“મળવા જેવા માણસ” – 11 દિનેશ પાઠક

dinesh pathak

પ્રાધ્યાપક દિનેશ પાઠક
દિનેશભાઈનો જન્મ ૧૯૪૫ માં નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના થળી ગામમાં થયો હતો. પાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ થળીમાં જ થયું હતું. ભણવામાં ખુબ હોશિયાર હોવાથી શિક્ષકોના માનીતા હતા. જ્યારે એ ચોથા ધોરણમાં હતા ત્યારે એક શિક્ષકે એમને પાંચમાં ધોરણના પ્રશ્ન અને એના સાચા ઉત્તર વાંચવા આપ્યા. દિનેશભાઈએ બધા પ્રશ્નો અને તેના જવાબો સમજીને યાદ કરી લીધા. શિક્ષકે પરીક્ષા લીધી તો બધા ઉત્તર સાચા હતા, જ્યારે પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ પણ બધા સાચા ઉત્તર આપી શક્યા ન હતા.
પાંચમાં ધોરણ સુધીની શાળા તો થળીમાં જ હતી પણ છઠ્ઠા ધોરણથી આગળ ભણવા માટે એમને બે કીલોમિટર દૂર આવેલી શાળામાં જવું પડતું. આ શાળામાં પહોંચવા તેમને ખેતરોમાંથી અને સૂકાઈ ગયેલા વોંકડામાંથી પસાર થવું પડતું અને આને લીધે ચોમાસામાં ખૂબ મુશ્કેલી પડતી. કોઈક વાર તો વોંકડામાં પાણીનો પ્રવાહ એટલો રહેતો કે તણાઈ ન જવાય એટલે ત્રણ ચાર વિદ્યાર્થીઓ એક બીજાઓ હાથ પકડી વોંકડા પાર કરતા.
૧૯૫૭ માં દિનેશભાઈ આગળ અભ્યાસ માટે બહેનના ઘરે ધંધુકા રહેવા ગયા. અહીં એમના ભાણેજ એમને દિનુ મામા કહી બોલાવતા એટલે નાના મોટા બીજા બધા પણ એમને દિનુમામા કહેતા.(આજે પણ ઘણા લોકો એમને દિનુ મામા કહીને જ બોલાવે છે.) ધંધુકાની શાળામાં એમને દુહા, રાસ અને છંદો ગાવાનો મોકો મળ્યો. એ એટલું સરસ ગાતા કે સવારની પ્રાર્થનામાં ભજન ગાવાનું એમના ભાગે જ આવતું.
બે વર્ષ બાદ બહેન-બનેવી વડોદરામાં સ્થાયી થયા એટલે દિનેશભાઈ પણ વડોદરા આવી ગયા. બનેવી ગાંધીવાદી વિચારધારાના હોવાથી દિનેશભાઈને બાળપણથી જ સારા સંસ્કાર અને પરોપકારની શિક્ષા મળી. વડોદરામાં જ શાળાનું શિક્ષણ પૂરૂં કરી વડોદરાની પ્રખ્યાત Faculty of Technology and Engineering (કલાભવન) નાં આર્કિટ્ક્ચર વિભાગમાં દાખલ થયા. અહીં પણ એમણે સાથે ભણતા વિદ્યાર્થીઓને સમુહ કાર્યોમાં જરૂરી મદદ પૂરી પાડી. અહીં એમને પ્રથમવાર જ અનુભવ થયો કે Practical Life માં માત્ર હોશિયારી જ પૂરતી નથી, ઓળખાણ-લાગવગ પણ એટલા જ મહત્વના છે. આ વાતની જાણ તેમને સરકારમાં મોટા પદો પર બેઠેલા માણસોના પુત્ર-પુત્રીઓ, જે એમના સહપાઠીઓ હતા તેમની મારફત થઈ. સ્નાતક થયા પછી આ વાતની એમને પ્રતિતી થઈ ગઈ.
વ્યવસાયિક જીવનની શરૂઆત તેમણે ૬-૬ મહિના માટે સુરત અને ગાંધીનગર કેપિટલ પ્રોજેકટ્સમાં કામ કર્યું, અને ત્યાર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા. મ્યુનિસિપાલીટીમાં કામ દરમ્યાન ત્યાં ચાલતી ગેરરીતિઓથી કંટાળી જઈ આખરે તેમણે દસ વર્ષ કામ કર્યા પછી રાજીનામું આપ્યું અને કલાભવનમાં પ્રાધ્યાપકની નોકરી સ્વીકારી. ત્યાં તેમણે ૨૯ વર્ષ સુધી કામ કર્યું.
આતો વાતો થઈ અભ્યાસ અને રોજી-રોટીની, પણ દિનેશભાઈને મળવા જેવા માણસ બનાવે છે એમની સામાજીક અને ઈતર પ્રવૃતિઓ. નાની વયથી જ એમણે સંગીત, નાટક, વાંચન અને પર્યટનનો શોખ કેળવ્યો. સંતો, સમાજસેવકો, લેખકો, કવિઓ અને કલાકારોને જોવાની અને મળવાની એમને તીવ્ર ઉત્કંઠા રહેતી. અત્યાર સુધીમાં ૩૦૦ થી ૪૦૦ મહાનુભવોના પ્રત્યક્ષ દર્શન અને રૂબરૂ મુલાકાતોનો લાભ એમને મળ્યો છે. પર્યટન શોખીન દિનેશભાઈએ ભારતમાં હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતનાં ૨૦૦ જેટલા સ્થળોની મુલાકત લીધી છે. પરદેશમાં નેપાલ અને કતારની મુલાકાતો પણ લીધી છે.
આકાશવાણી દ્વારા ત્રણ વાર એમનો વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વડોદરા સ્થાનિક ચેનલ JTV દ્વારા વિવિધ વિષય પર ૨૦૦ વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવ્યા હતા. એમણે ૬૦૦ જેટલા કાવ્યોની રચના કરી છે, જેમાં એમણે પ્રકૃતિ, સંસ્કૄતિ, ભજન અને ગીતાનો ઉપદેશ રજૂ કર્યા છે. એમના કાવ્યોના પુસ્તક “મારે હ્રદય વસ્યો ધનશ્યામ” માંથી ઘણા ગીતો શશાંક ફડનીસે સ્વરબધ્ધ કર્યા છે. આ સિવાય અલગ અલગ વિષય પર એમના દસ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે.
સામાજીક પ્રવૃતિઓમાં રોટરી કલબ, લાયન્સ કલબ અને સીનિયર સીટિઝન્સ માટેના સંઘઠનોમાં સક્રીય ભાગ લીધો છે. એમનો મોટો ફાળો તત્વવેત્તા અને સમાજ સુધારક શાસ્ત્રી પાંડુરંગ આઠાવલેની સ્વાધ્યાય ચળવળમાં રહ્યો છે. ૧૯૬૨ થી એમણે પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો વાંચવાનું શરૂ કર્યું. ૧૯૬૮ માં પહેલીવાર એમણે એમના પ્રવચનમાં હાજર રહી એમની વાતો સાંભળી. ૧૯૭૩ થી તેઓ સક્રીય રીતે સ્વાધ્યાય ચળવળમાં જોડાઈ ગયા. ૧૯૭૭-૭૮ થી શાસ્ત્રીજી સાથે એમનો સંપર્ક વધ્યો અને એમણે જીલ્લાના ક્ષેત્રપાલ તરીકે જવાબદારી સ્વીકારી. સ્વાધ્યા પ્રવૃતિને અનુલક્ષીને એમણે ૬૦૦ જેટલા ભાવગીતો લખ્યા. એકવાર શાસ્ત્રીજીએ એમને સૂચવ્યું કે તમે ભલે આર્કિટેક્ટ છો પણ જન્મથી બ્રાહ્મણ છો એટલે જાહેરમાં સત્યનારાણની કથા કરો. શાસ્ત્રીજીની આજ્ઞા શિરોમાન્ય કરી એમણે કથાના અર્થ અને મર્મનો અભ્યાસ કરીને સમજી લીધો, અને ત્યારબાદ શાસ્ત્રીજીની હાજરીમાં કથા કરી. શાસ્ત્રીજી જે પોતે ધાર્મિક વિષયોના ઉચ્ચ કોટિના નિષ્ણાત છે, તેમણે કહ્યું કે ૨૩ વર્ષ બાદ એમણે આવી સરસ અર્થપુર્ણ સત્યનારાયણની કથા સાંભળી.
૩૨ વર્ષ સુધી સ્વાધ્યાય ચળવળમાં સક્રીય રહ્યા બાદ, સ્વાસથ્ય ખરાબ થવાથી નિવૃતિ લીધી. તેમના જ શબ્દોમાં કહું તો, “મારું મુખ્ય કામ પ્રવચન આપવા, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા, વિવિધ Group Sittings કરીને આયોજન કરવાનું, યુવા પ્રવૃત્તિ અને ભાવગીતો લખવાનું હતું. ભાવ ફેરીઓ પણ ઘણી કરી અને એનાં લીધે ભારતનાં લગભગ ૪૦૦ ગામડાં જેમાના ૧૫૦-૨૦૦ ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ફરવા અને સંસ્કૃતિની વાતો ફેલાવોનો મોકો મળ્યો. સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા રજુ કરાયેલ ભાવગીતોના સંગ્રહ “તીર્થ યાત્રા” માં‌ ‘ચાલી વણઝાર’ અને “અમૃતાલયમ” ભાવગીત સંગ્રહમાં ‘તારો હું થઈ જાઉં કનૈયા’ ગીતો સુરેશ વાડકર, મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે ગાયા છે.”
નિવૃતિની પ્રવૃતિ વિશે તેઓ કહે છે, “નિવૃત્તિના સમયમાં હું મુખ્યત્વે લેખનમાં સમય ગાળું છું. વડોદરમાં જ રહીને Senior Citizen Club, Rotary Club, Lions Club, દિવ્ય જીવન સંઘ, અવધૂત પરિવાર, સાંઈ પરિવાર જેવી સંસ્થાઓમાં પ્રવચનો આપું છું. નિવૃત્તિ પછી પણ પુસ્તકો લખવાનો દોર ચાલુ રહ્યો છે. મિત્રો અને સ્નેહીજનો મને વિવિધ વિષયો પર પુસ્તક લખવાની સલાહ આપે છે. મારું પ્રથમ પુસ્તક ‘ષોડશ સંસ્કાર’ બહુ વખાણાયું અને આજે પણ સારું એવું વંચાય છે. થોડા સમય પહેલાં જ મને ગુજરાત પુસ્તકાલય, વડોદરામાંથી ફોન આવ્યો કે એક ભાઈ‌ એક સાથે ૪૦૦ પુસ્તકો લઈ ગયા. આજે આ પુસ્તકને લખાયે ૧૦ વર્ષથી ઉપર થઈ ગયા તો પણ લોકોને યાદ છે એને હું મારી જીંદગીની મૂડી ગણું છું.”
દિનેશભાઈ પુત્ર અને પુત્રવધુની મદદથી એક બ્લોગનું સંચાલન કરે છે. મેં જ્યારે આ લેખ માટે થોડી જરૂરી માહિતી માટે ફોન કરેલો ત્યારે તેઓ ડાયાલીસીસ ઉપર હતા, છતાં મારી સાથે પ્રેમથી વાત કરી અને બે દિવસમાં જ મને જરૂરી માહિતી મોકલી આપી.
અંતમાં હું કહીશ, “દિનુમામા જીંદાબાદ…”
-પી. કે . દાવડા

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મળવા જેવા માણસ” P K Davda and tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s