“મળવા જેવા માણસ” – 23 શ્રી અશોક મોઢવાડીયા

ashok modhvadia

શ્રી અશોક મોઢવાડીયા

અશોકભાઈનો જન્મ ૧૯૬૭માં, મોસાળનાં ગામ, પોરબંદરમાં થયેલો. બાપદાદાનું ગામ નજીકનું વિસાવાડા. મધ્યમવર્ગીય ખેડૂત કુટુંબના એમના પિતા મેરામણભાઈ મોઢવાડીયા જો કે સરકારી કર્મચારી હતા. પ્રાથમિક શાળાના ધોરણ સાત સુધીનો અભ્યાસ એમણે ગામની તાલુકા શાળામાં કર્યો હતો. આઠમા ધોરણનો અભ્યાસ ગામની સરકારી શાળામાં કર્યા બાદ, ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસ માટે જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા. બારમા ધોરણમાં અસફળ રહ્યા બાદ એમણે ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીનો અભ્યાસક્રમ કરી B.Com. ની ડીગ્રી હાંસિલ કરી. શાળાના વર્ષો દરમ્યાન એમણે વક્તૃત્વ હરિફાઈઓ અને સામાન્યજ્ઞાન સ્પર્ધાઓમાં ભાગ લઈ ઈનામો મેળવેલા.

શાળાજીવન દરમ્યાનમાં જ, સ્વાલંબનની ભાવનાથી પ્રેરાઈને, અગરબત્તી બનાવવાના, કાગળની થેલીઓ બનાવવાના અને બુકસેલરને ત્યાં મદદનીશ તરીકે કામ કરવાના, આવા અનેક કામો કરી પોતાના માટે ખીસાખર્ચી મેળવી લેતા. આગળ જતાં ITI માં શિક્ષણ લઈ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એપ્રેન્ટીસ મિકેનીકનું કામ પણ કરેલું. ઈલેક્ટ્રોનીકસના શોખને લઈ, એ જમાનામાં નવા જ દાખલ થયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.ની રચના સમજી લઈ, એમણે ટી.વી. રીપેર કરવાનું અને એસેમ્બલ્ડ ટી.વી. બનાવીને વેંચવાનું શરૂ કર્યું. બસ આમાંથી જ એમનો Electrical Home Appliances Sales and Service નો ધંધો શરૂ થયો.

૧૯૮૯ માં અશોકભાઈના લગ્ન દક્ષા બહેન સાથે થયા. અશોકભાઈના શબ્દોમાં જ “દક્ષા એક ઘરરખુ સ્ત્રી, ઉમદા પત્ની અને આદર્શ માતા છે.” અશોકભાઈ અને દક્ષા બહેનના બે સંતાનોમાંથી દિકરો ઈજનેર થઈ સ્વતંત્ર વ્યવસાય કરે છે અને દિકરી ઈજનેરીનો અભ્યાસ કરે છે.

અત્યાર સુધી મેં જે વાતો કરી એ બધી “આમ આદમી” અશોક મોઢવાડીયાની હતી. હવે જે વાતો કરવાનો છું એ “ખાસ આદમી” એટલે કે “મળવા જેવા માણસ” અશોક મોઢવાડીયાની છે. પોતાના નામ “અશોક” વિશે અશોકભાઈ કહે છે, “મારૂં નામ જ અશોક છે એટલે હું કોઈ વાતનું માઠું લગાડી શોક કરતો નથી.” અશોકભાઈને વાંચન, ફોટોગ્રાફી અને ડાયરા ભરવાનો જબરો શોખ તો છે જ, પણ જ્યારથી એમણે કોમ્પ્યુટર વાપરવાનું શીખી લીધું ત્યારથી માત્ર “નેટ સર્ફીંગ” જ નહિ પણ નેટનો ગુજરાતી પ્રજા માટે સદુપયોગ પણ શરૂ કરી દીધો છે.

જ્ઞાનના ભંડાર રૂપી પુસ્તકને અંગ્રેજીમાં encyclopedia કહે છે. વર્ષો પહેલા “એનસાઇક્લોપિડીયા બ્રિટાનિકા” સર્વ શ્રેષ્ઠ ગણાતું. કોમ્પ્યુટરો સામાન્ય થયા ત્યારે માઇક્રોસોફટનું “એનકાર્ટા” પોપ્યુલર થયું. છેલ્લા થોડા વર્ષોથી “Wikipedia” સર્વાધિક લોકપ્રિય છે. અંગ્રેજી ભાષામાં તો Wikipedia માં જ્ઞાનના ભંડાર છે, પણ અંગ્રેજી નહીં જાણનારા ગુજરાતીઓનું શું? અશોકભાઈએ વિકિપીડિયા ગુજરાતીના Administrator તરીકે, મિત્રોની મદદ લઈ, દસ હજાર ઉપરાંત લેખોનું સંપાદન કર્યું અને એ લેખ નેટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા. તે ઉપરાંત અશોકભાઈ અને થોડા મિત્રોએ વિકિપીડિયાના બહુભાષી સાહિત્ય પ્રકલ્પ “Wikisource” પર ગુજરાતી ભાષાના સાહિત્ય માટે અલાયદું Domain મેળવ્યું, જે “વિકિસ્રોત” તરીકે ઓળખાય છે, અને તે પર ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાનો કાર્યારંભ થયો. ગાંધીજીની આત્મકથા, ઓખાહરણ, માણસાઈના દીવા અને અખાનું સાહિત્ય એમના કામના જીવતા જાગતા પુરાવા છે.

એમનો પોતાનો એક આગવો બ્લોગ “વાંચનયાત્રા” પણ માણવા જેવો છે. સ્થાનિક મિત્રો સાથે મળી “અભિવ્યક્તિ” નામનું જૂથ બનાવી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ અશોકભાઈ સમય ફાળવે છે. બ્લોગ જગતનાં લોકપ્રિય બ્લોગ “વેબ ગુર્જરી” ના સંચાલક મંડળમાં સામેલ થઈ અશોકભાઈ ગુજરાતી વાંચકોની સેવા કરે છે. તેઓ કહે છે, “કમ્પ્યુટરનું કોઈ અધિકૃત ભણતર ભણ્યો નથી, પણ મિત્રોના સહારે ગણતા ગણતા, ગણતર આવડી ગયું, ને કમ્પ્યુટર પાસેથી ખપજોગું કામ કઢાવી શકું છું. ‘વેબગુર્જરી’નાં વિદ્વાન મિત્રોને જરૂર પડે ત્યારે, આવડત પ્રમાણે, તકનિકી અને ઈ-બૂક્સ બાબતે સેવા આપતા આનંદ અનુભવું છું. અન્ય બ્લૉગમિત્રો પણ મને મારી આવડત પ્રમાણે સેવા કરવાનો મોકો આપે ત્યારે અત્યંત આનંદ થાય છે. માતૃભાષાની સેવાના સેતુબંધ સમા વિશાળ કાર્યમાં ખિસકોલી સમાન યોગદાન આપવા પ્રયાસરત રહું છું.”

મારા માટે તો અશોકભાઈની વિચારવાની રીત જ એક મોટું આકર્ષણ છે. તેઓ કહે છે, “સત્ય હંમેશા બે અંતિમ ધ્રુવોની વચ્ચે ક્યાંક સંતાયેલું હોય છે. જેનો અલ્પાંશ પણ શોધવા માટે બંને અંતિમ ધ્રુવોથી મધ્ય તરફની સફર અનિવાર્ય છે. વાંચન,દર્શન કે શ્રવણ દ્વારા આપણને જે મળે છે તેને માહિતી કહી શકાય, જેની જ્ઞાન સાથે ભેળસેળ કરવાની ભુલ આપણે મોટાભાગે કરીએ છીએ. માહિતીઓ ક્યારેક તટસ્થ તો ક્યારેક પક્ષપાતી પણ હોઇ શકે. મળેલ માહિતીઓને ચિંતનરૂપી અગ્નિમાં તપાવી અને દરેકે પોતાનું અંગત જ્ઞાનરૂપી કંચન તારવવું પડે.”

એક જગ્યાએ અશોકભાઈએ કહ્યું છે, “જ્ઞાનરૂપી સુવર્ણ એકત્ર કરવાની ઇચ્છા ધરાવનારને, માહિતીરૂપી હજારો મણ માટીને ફંફોસે ત્યારે, તેમાંથી અલ્પાંશે સુવર્ણની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, સર્વદિશાએથી પ્રાપ્ત થતા વિચારોને ખુલ્લું મન રાખી ગ્રહણ કરવા, અને ત્યાર પછી તેમાંથી, પોતાના અગાઉના સંચિતજ્ઞાન વડે, ઉપયોગી વિચારો અલગ તારવવા. આ નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા જ્ઞાનપ્રાપ્તિ માટેનું પ્રથમ ચરણ છે. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો, માહિતીરૂપી ડેટાને ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા ગોઠવી અને ઉપયોગી થઇ શકે તેવો જ્ઞાનરૂપી રિપોર્ટ તૈયાર કરવો.”

પુસ્તકોના વાંચન પ્રત્યે ઘટતી જતી રૂચી વિશે અશોકભાઈ કહે છે, “અત્યારનાં સમયમાં તો માહિતી મેળવવા માટેના અસંખ્ય સ્રોત ઉપલબ્ધ થયા છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન, અખબારો, પત્રિકાઓ અને પુસ્તકો તો ખરાજ. આ બધા સ્રોતોમાં કદાચ જાણ્યે અજાણ્યે પુસ્તકો પ્રત્યેની આપણી રૂચી ઘટતી જતી હોય તેવું લાગે છે. વાંચન માટે કાં તો સમય મળતો નથી અને કાં તો ઇચ્છા થતી નથી. આર્થિક રીતે પરવડવાની બાબતનો અહીં ઉલ્લેખ નથી કર્યો, કારણકે સારા પુસ્તકો, હંમેશા મોંઘા નથી હોતા!”

અશોકભાઈ માને છે કે વ્યક્તિ કરતા તેના વિચારો અને કાર્યની ઓળખ વધુ મહત્વની હોય છે, અને એટલા માટે જ મેં અશોકભાઈ વિષે ઓછું લખ્યું છે અને એમના વિચારો વિષે વધારે લખ્યું છે. એમના વિચારો પાછળ એમનું વિશાળ વાંચન રહેલું છે. તેઓ કહે છે, “મને ઉપલબ્ધ તમામ વિષયોના પુસ્તકો હું વિનાપૂર્વાગ્રહ વાંચું છું. જેમાં ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, ચિંતન, કલા જેવા ઘણા વિષયો આવી જાય છે. ટુંકમાં હું આઇન્સ્ટાઇન થી લઇને એલિસ્ટર મેક્લિન અને ઋષિમુનિઓ થી લઇને રસિકભાઇ સુધીના સૌની કૃતિઓને મારી અલ્પબુદ્ધી પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરતો રહું છું.”

અશોકભાઈ, પોતાની વાત જ ખરી છે અને અન્ય લોકોની વાત ખોટી છે એવું માનનારાને એક સારી સલાહ આપે છે. “મારૂં સત્ય આપને, અને આપનું સત્ય મને, સંપૂર્ણપણે લાગુ પડે તે જરૂરી નથી. અને તેથીજ, સૌએ પોતપોતાના સત્યની શોધ કરવીજ પડે છે.”

અંતમાં રત્નાગીરીના હાફૂસથી પણ વધારે સારી કેરીની મજા માણવી હોય તો જૂનાગઢની કેસર ચાખી જોજો અને એ ચાખવા જૂનાગઢ જઈ શ્રી અશોક મોઢવાડીયાને જરૂર મળજો.

-પી. કે. દાવડા

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મળવા જેવા માણસ” P K Davda and tagged , , . Bookmark the permalink.

2 Responses to “મળવા જેવા માણસ” – 23 શ્રી અશોક મોઢવાડીયા

 1. jugalkishor says:

  હું એમને પહેલી વાર મળ્યો ત્યારે તેમના નેટ પરના પરિચય ઉપરાંત રુબરુ પરિચય વખતે મને જે કાંઈક નવતર લાગેલું તેના આધારે સાવ ઓચિંતા; જ એમને સવાલ કરેલો કે તમારો અભ્યાસ કેટલો અને બૅકગ્રાઉન્ડ શું ? તેમને પણ આવો સીધો સવાલ નવાઈ પમાડી ગયો હશે. પણ મેં માનેલું કે તેઓ ઓછામાં ઓછું એમ.એ. તો હશે જ ને તે પણ ભાષા જેવા વિષયોમાં ! તેમણે પોતે ફક્ત ગ્રેજૃએટ હોવાનું કહેતાં મને નવાઈ લાગેલી…..

  તેમની પાસે જે જ્ઞાન છે, વિશ્લેશણાત્મક બુદ્ધિ છે, અનેક વિષયો પરની પકડ છે, અને ખાસ તો તીવ્ર વિચારશક્તિ છે તે બધાંએ મને આકર્ષિત કરેલો. પણ જ્યારે જાણ્યું કે તેમનો વાચનનો શોખ ગાંડો છે ત્યારે મને સમાધાન ધયું હતું. પુસ્તકોના તેઓ ભુખ્યા છે.

  પણ સૌથી મજા તો ત્યારે આવી કે જાણ્યું કે તેઓ માણસભુખ્યા પણ છે, ત્યારે મન નાચી ઊઠેલું…તેમની દુકાને જે ડાયરો ભરાય છે તે અસામાન્ય બાબત છે. જ્ઞાનગપાટા માટેનું એ થાનક છે ! એમના મિત્રો એમને અલગારી માને છે. એમની રખડપટ્ટીને કોઈ નિશ્ચિત દિશા નથી હોતી પણ એનાં કેટલાંક કિમતી ફળો ચોક્કસ હોય છે…..

  બસ, અત્યારે તો આટલું જ…. એમને વિષે ઘણું કહી શકું પણ અત્યારે આટલું જ. દાવડા સાહેબને ધન્યવાદ સાથે, – જુ.

  Like

 2. આદરણીય અશોકભાઇ એટલે સોરઠનો સાવજ

  હર કોઇ બ્લોગરની મદદ માટે આતુરતાથી દોડી જાય એવો મજાનો માનવી

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s