“મળવા જેવા માણસ”- 27 દીપક ધોળકિયા

dipak dholakia 2

દીપક ધોળકિયા

દીપકભાઈનો જન્મ ૧૯૪૮માં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં થયેલો. ૧૯૫૦ માં જ્યારે એ માત્ર બે વર્ષના હતા ત્યારે એમના દાદા શ્રી ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ભારતની બંધારણ સભાના સભ્ય હતા, અને ૧૯૫૨ માં ભારતની પહેલી લોકસભામાં તેઓ કચ્છના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા. ફરી પાછા ૧૯૬૨માં ગુજરાત વિધાનસભામાં ભુજના પ્રતિનિધિ તરીકે ચૂંટાયલા. દીપકભાઈના પિતા ભાઇકાકા દસમા ધોરણ સુધી ભણેલા હતા. એમના બા માત્ર લખી-વાંચી શક્તા, અને છતાં પણ એમનો વાંચનનો શોખ એટલો જબરો હતો કે લાયબ્રેરીમાંથી રોજ એક પુસ્તક મંગાવીને પુરૂં કરતા. આટલું મોટું રાજદ્વારી Background ધરાવતા હોવા છતાં એ એક મધ્યમ વર્ગી કુટુંબ હતું.

દીપકભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ભુજની ઘર નજીકની સરકારી શાળામાં થયો. એ સમયના રિવાજ અનુસાર, શાળામાં દાખલ થયા ત્યારે નાળિયેર અને પાવલી (ચાર આના) લઈ ગયેલા અને શિક્ષકાના પગપાસે મૂકી શિક્ષિકાને પગે પડેલા. શિક્ષકો પ્રત્યેનો આવો આદરભાવ દીપકભાઈએ જીવનભર જાળવી રાખ્યો. પાંચમા થી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ એમણે મહારાણી શ્રીગંગાબાસાહેબ મિડલ સ્કૂલમાં કર્યો. અહીં એક નાટકમાં એમને વિલિયમ ટેલનું પાત્ર મળેલું. એમનો એક મિત્ર રોહિત વોલ્ટર બનેલો. દીપકભાઈએ તીર મારી રોહિતના માથા ઉપરથી સફરજન નીચે પાડવાનું હતું. તીર ક્યાંક વાગી જશે એ બીકે નાટક દરમ્યાન, તીર છૂટે એ પહેલા જ રોહિતે માથું હલાવી સફરજન નીચે પાડી દીધું.

આઠમા ધોરણથી SSC સુધીનો અભ્યાસ એમણે ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો. આ ગાળા દરમ્યાન એમણે વિદ્યાર્થી ચળવળમાં ભાગ લઈ ભવિષ્યની સામાજીક પ્રવૃતિઓ માટેનું ભાથું બાંધી લીધું. ૧૯૬૫ માં SSC પરીક્ષામાં પાસ થઈ ભુજની લાલન કોલેજમાં Science Branch માં જોડાયા. પહેલે વર્ષે જ Maths વિષયમાં ફાવટ ન આવતાં નાપાસ થવાથી, આર્ટસ વિભાગમાં બદલી કરાવી. પરંતુ નાપાસ થવાનો કે એક વર્ષ બગડવાનો એમને અફસોસ નથી. એમનું કહેવું છે કે આ વર્ષ તો એમના માટે બહુ સારું રહ્યું. એ વર્ષ દરમિયાન એમણે જે વિષય હાથમાં આવ્યો તે વાંચ્યું. આમ, એ નિષ્ફળતાનું વર્ષ એમના વિચારો અને દૃષ્ટિકોણને આકાર આપવામાં આશીર્વાદ સમું બની રહ્યું. એમને જુદા જુદા વિષયોમાં રસ કેળવાયો તે તો આ જ વર્ષનું સુફળ છે. ૧૯૭૦ માં ઈકોનોમિક્સને મુખ્ય વિષય બનાવી બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

એ દરમ્યાન, ૧૯૬૫ની કચ્છ સરહદ પરની ભારત-પાકિસ્તાન લડાઈ પછી આંતરરાષ્ટ્રીય ટ્રાઇબ્યુનલે ચુકાદો આપ્યો તેમાં છાડબેટ. કંજરકોટ વગેરે કચ્છના વિસ્તારો પાકિસ્તાનને મળ્યા. એની સામે મોટો સત્યાગ્રહ થયો, જેમાં જ્યોર્જ ફરનાન્ડિસ, અટલ બિહારી વાજપેયી, મધુ લિમયે વગેરે જોડાયા હતા. ત્રેવીસ વિદ્યાર્થીઓની એક ટુકડીના નેતા તરીકે દીપકભાઈ પણ સત્યાગ્રહમાં જોડાયા. સરહદે જઈને રાષ્ટ્રધ્વજ સાથે એક પૉઈંટ પાર કરવાનો હતો. પોલીસે પકડી લીધા, તે પછી પંદર દિવસની જેલની સજા થઈ, અને જેલમાં પડતી તકલીફો સહેવી પડેલી.

ગ્રેજ્યુએટ થઈ નોકરીની શક્યતાઓ વધારવા ગુજરાત રાજ્ય સરકારી સેવા પસંદગી મંડળની પરીક્ષા આપી, અને એમાં એમનું પ્રદર્શન પણ સારૂં હતું, પણ કલેકટરના રીપોર્ટમાં ચળવળિયો છે, એવું આવ્યું, એટલે પસંદગી ન થઈ. ત્યાર બાદ આકાશવાણીના ભુજના કેંદ્ર માટે એનાઉંસરની પોસ્ટ માટે અરજી કરી. સરકારી નોકરીમાં પોલીસખાતા દ્વારા તપાસ જરૂરી છે. એમણે દાદાની સલાહથી ફૉર્મમાં સાચું લખી દીધું કે એક વાર જેલમાં જઈ આવ્યા છે, પણ પોલીસના અફસરને લાગ્યું કે સત્યાગ્રહ એ કંઈ ફોજદારી ગુન્હો ન કહેવાય એટલે એણે સારો રિપોર્ટ આપ્યો, અને અંતે ૧૯૭૦ માં આકાશવાણી ભુજમાં એનાઉંસર બની ગયા. પણ આંદોલનકારી જીવ એટલે અહીં પણ યુનિયનની પ્રવૃતિઓમાં સક્રિય હતા. ૧૯૭૪ માં એમની પસંદગી ગુજરાતી સમાચાર વાચક અને અનુવાદક તરીકે દિલ્હીમાં થઈ. તમારામાંથી ઘણાએ રેડિયોમાં સાંભળ્યું હશે, “આ આકાશવાણી છે. સમાચાર દીપક ધોળકિયા વાંચી સંભળાવે છે.” અહીં પણ એમની યુનિયન પ્રવૃત્તિઓ ચાલુ જ રહી. ૨૦૦૮ સુધી આકાશવાણીમાં કામ કરી, ૨૦૦૮ માં ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા.

dipak dholakia 1

દિલ્હીમાં બદલી થયા બાદ ચાર વર્ષ રહી, ૧૯૭૮ માં દીપકભાઈના લગ્ન ઉત્તર પ્રદેશના પૂનમ બહેન સાથે થયા. પુનમ બહેન બી.એસસી., બી.એડ.મૂળ ઉત્તર પ્રદેશનાં છે અને લગ્ન પહેલાં શિક્ષિકા હતાં. લગ્ન બાદ દીપકભાઈને ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે રેડિયો મોસ્કોની સર્વિસમાં ત્રણ વર્ષ માટે મોકલેલા. દીપકભાઈ અને પૂનમ બહેનની દીકરી “પરા” દિલ્હીની Shaheed Rajguru College of Applied Sciences માં Foods and Nutritionનાં Senior Assistant Professor છે, જ્યારે પુત્ર મનન કલ્પાકમ (ચેન્નઈ) માં Indira Gandhi Centre for Atomic Researchમાં Scientist છે.

દીપકભાઈનું કુટુંબ National Integration નો જીવતો જાગતો દાખલો છે. ગુજરાતી દીપકભાઈ ઉત્તર ભારતીય પૂનમને પરણ્યા. એમની પુત્રી “પરા” કોંકણી રાકેશને પરણ્યાં અને પુત્ર મનન રાજસ્થાની શુભા શર્માને પરણ્યા. હાલમાં આ એક દ્વિભાષી કુટુંબ છે. એમના જ શબ્દોમાં કહું તો , “આ કૌટુંબિક સંયોગોમાં અમારા ઘરમાં ગુજરાતી અને હિન્દી બન્ને ભાષાઓ ચાલે છે. હું ગુજરાતીમાં પૂછું તેનો એ લોકો હિન્દીમાં જવાબ આપે. બૃહદ કુટુંબના બીજા સભ્યો સાથેની વાતચીતમાં મારી પત્ની અને બન્ને ભાઈબહેન ગુજરાતી જ વાપરે. હું ભૂલથી હિન્દી બોલી જાઉં તો મને રોકે –“તુમ ક્યોં હિન્દી બોલતે હો? ગુજરાતી બોલો.” પણ પોતે મારા ગુજરાતીમાં પુછાયેલા સવાલનો હિન્દીમાં જવાબ આપે !”

દીપકભાઈ નોકરીમાંથી નિવૃત્ત થયા છે પણ સામાજિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત નથી થયા. હજી પણ તેઓ Indian Community Activists Network (ICAN) ના સક્રિય સભ્ય છે. આ દેશમાં ચાલતાં જનઆંદોલનોની સામૂહિક સંસ્થા છે જે પ્રાકૃતિક સંપદા પર જનતાના અધિકારની હિમાયત કરે છે. ICAN ના ન્યુઝલેટરના તંત્રીમંડળમાં મુખ્ય જવાબદારી દીપકભાઈ સંભાળે છે. દિલ્હીમાં પાણીના ખાનગીકરણ વિરુધ્ધ જનઆંદોલન સમિતિના તેઓ જનરલ સેક્રેટરી છે, અને પાણી અને સેનિટેશનની સમસ્યાઓ માટેની ફોરમના Founder Member અને સલાહકાર છે. ઉપરાંત સરકારી કર્મચારીઓનું સંગઠન Indian Public Service Federation (IPSEF) માં સલાહકાર અને Ideologue છે.

બ્લોગ જગતમાં એમનો અંગત બ્લોગ “મારી બારી” છે, પણ છેલ્લા થોડા સમયથી વેબગુર્જરીના સંપાદક મંડળમા સક્રિય છે. એમના જીવનની ફિલોસોફી છે, “કોઈનું સમજીવિચારીને નુકસાન ન કરવું. કોઈ કામ કરવાની હા પાડી હોય તો એ હા આપણે આપણી જાતને જ કહીએ છીએ. એટલે કોઈ કહે કે ન કહે, જેના માટે હા કહી હોય તે કામ સારામાં સારી રીતે કરવું. સમજ્યા વિચાર્યા વિના હા ન કહેવી.” વધુમાં તેઓ કહે છે, “ભૂતકાળમાં જોવાનું હું બહુ પસંદ કરતો નથી”, અને તેમ છતાં મારી વિનંતિને માન્ય રાખી એમણે ભૂતકાળમાં ડોકિયું કરી મને જરૂરી માહિતી આપી.

-પી. કે. દાવડા

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મળવા જેવા માણસ” P K Davda and tagged , , . Bookmark the permalink.

3 Responses to “મળવા જેવા માણસ”- 27 દીપક ધોળકિયા

 1. jugalkishor says:

  દીપકભાઈનો અવાજ યુવાનીમાં રેડિયો પરથી સાંભળેલો. પણ હવે ફોન પર અવારનવાર સાંભળી શકાય છે.

  ત્યારે તેઓ સમાચાર આપતા હતા, હવે સમાચારો સર્જી શકે તેવી મહત્ત્વની સેવાઓમાં કાર્યરત છે. તેમની સામાજિક જાગૃતિની અને ન્યાય માટે લડવાની કામગીરી મૂલ્યવાન છે. વેબગુર્જરીના આરંભ પહેલાંના મારા લેખ પર કોમેન્ટ મૂકીને નવી પ્રવૃત્તિ શરૂ કરવા માટે સૌથી પહેલો આગ્રહ તેમણે કરેલો. તેમનું એ સૂચન વેબગુર્જરીના આરંભ માટેનું સૌથી મહત્ત્વનું નીમીત્ત હતું…વેગુમાં પોતાના બ્લૉગ ‘મારી બારી’નું જોડાણ કરનારા તેઓ પ્રથમ છે. તેમના પરિચયમાં લખાયેલી વાત – જે કામને સાથ આપવાનું નક્કી કર્યું તેનું નિષ્ઠાપૂર્વકનું અમલીકરણ – સાવ સાચી છે.

  ચળવળનું નેતૃત્વ કરનારા માણસોમાં ભાગ્યે જ જોવા મળે તેવી નમ્રતા અને સામા માણસને સમજવાની તૈયારી તેમનામાં હોય છે. મક્કમતા અને નમ્રતાનો ગુણ એક સાથે ભાગ્યે જ રહી શકે….દીપકભાઈનું વ્યક્તિત્વ અનોખું છે.

  ને હા, એક વખતના આ સમાચારવાચકના અવાજમાં મને જે આત્મીયતા સંભળાતી રહી છે તે મને વેગુના કામમાં બળ આપે છે. એમનાં કાર્યોને સદાય સફળતા મળતી રહે તેવી શુભેચ્છા.

  Liked by 1 person

 2. pankajdandi says:

  રેડિયો ઉપર દીપકભાઈ નો સ્પષ્ટ અવાજ સાંભળવાનું ગમતું. આજે એમને વિષે જાણીને આનંદ થયો.

  Liked by 2 people

 3. આદરણીય દિપકભાઇને રેડિયો પર સાંભળૅલા પણ એમના અનોખા વ્યક્તિત્વની જાણ

  આદરણીય દાવડા સાહેબ દ્વારા આલેખાયેલી શ્રેણી “મળવા જેવા માણસ” દ્વારા થઇ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s